Difference between revisions 10546 and 11575 on guwikisource{{header | title = એ આવશે | author = ઝવેરચંદ મેઘાણી | translator = | section = | previous = | next = | notes = }} જળદેવીના લહેરિયા સાળુ ઉપર આથમતો સૂર્ય જ્યારે ચંપકરંગી ટીબકીઓ ભરત ભરતો નીચે ઊતરતો હતો, ત્યારે એક નૌકા એ પાણી ઉપર પહોળો પટ્ટો પાડતી ઝૂલણગતિએ ચાલી આવતી હતી. એને દેખીને બંદરનું બારું જાણે જીવતું બન્યું હતું, ઉદ્યમ અને આજીવિકાના થનગનાટ એ સંઘ્યાકાળને રોમાંચિત કરી રહ્યા હતા. સહુથી વધુ ઉલ્લાસ રમતો હતો એક સુઘડ સુવાસિત મકાનમાં; જ્યાં સોળથી લઈ ત્રીસ વર્ષની કુમારિકાઓનો માલિક એ વિદેશી નાવિકોનાં ભર્યા ભર્યા ગજવાંની વાટ જોતો ધૂપદીપ અને પુષ્પોના શણગાર સજાવી પ્રત્યેક ઓરડાને જાગ્રત કરતો હતો. જાતજાતની જટાને આકારે ગૂંથેલા ઊભા અંબોડાની ઘાટી ઘટામાં એ ચીબલાં નાક અને ચળકતી ઝીણી આંખોવાળું સૌંદર્ય ચહેરે ચહેરે રમતું હતું. છાતીથી પગની ઘૂંટી સુધી પહેરેલા ચપોચપ કિમોના* એ કુમારિકાઓની પગલીઓને નાજુકાઈ તેમ જ તરવરાટ આપી રહ્યા હતા. ઈજ્જતવાન માબાપોની આ ચંપકવરણી કુમારિકાઓ, ખુદ માબાપોની જ મોકલી, અને બુદ્ધદેવની પ્રતિમાના આશીર્વાદો લેતી, પોતાનાં નવજોબનનું વેચાણ કરવા અહીં આવતી; વર્ષ-બે વર્ષ રહેતી, અને પોતાની કમાઈ પિતાને ઘેર લઈ જઈ કુટુંબની ભીડ ભાંગતી. યોગ્ય અવસરે પાછી પરણી જઈ હરકોઈ ઊંચા ઘરની કુલ-વધૂ બનતી. એવો એ દેશનો વ્યવહાર હતો. આવી પચાસેક માનવ-પરીઓનાં પાંપણો પટપટાવતાં ચંચલ નેનાંનું નિશાન બની રહેલ એ જહાજ બરાબર સૂર્યાસ્તે તો બારાની અંદર નાંગરી ચૂક્યું હતું; અને એમાંથી બહાર આવતાં ઉતારુઓમાં બે જણા જુદા તરી નીકળ્યા. બન્નેના લેબાસ સફેદ હતા. રૂપેરી બટનો છાતી પર, કાંડા પર અને ખભા પર ચળકતાં હતાં. બેઉ જણા જહાજના અફસરો હતા. મોટેરાના ગઠિયા જેવા બેઠી દડીના ભરાવદાર દેહ ઉપર પીઢ છતાં દોંગાઈભર્યું ગોળ મોં હતું. નાનેરાની કદાવર કાઠી પાતળી અને સાગના સોટા જેવી સીધી હતી. એના મોં પર બિનઅનુભવની મધુરતા હતી. “કેમ, જરા સેલગાહ કરવા ઊપડશું ને?” મોટેરાએ આંખોનાં નેણ ઉછાળ્યાં. “ભલે, ચાલો.” જવાને ‘સેલગાહ’ શબ્દનો મર્મ પારખ્યો નહીં. જેવાં તરલ અને હળવાં એ દેશના મનુષ્યો, તેવાં જ ત્યાંનાં વાહનો છે. સડક ઉપર રમતી આવતી રિક્ષા-ગાડીએ જ્યારે એ બેઉ પરદેશીઓને પેલા સુંદરીગૃહને દરવાજે ઉતારી દીધા ત્યારે બન્ને મહેમાનોના સ્વાગતનું નૃત્ય ગુંજી ઊઠ્યું. સુખની મીઠી વેદના જગાડે તેવાં ધીરાં એનાં વાદ્યો હતાં. હવામાં લહેકતી એ જુવાન નર્તકીઓ હતી. પગમાં ઝાંઝર-ઘૂઘરા નહોતા. હાથમાં ઝૂલી રહેલ પંખા અને પંખીની પાંખો જેવા દુપટ્ટાના છેડા જ એ સંગીતને તાલ દેતા હતા. મૂઠી ભરીને દાણા છાંટતાં જેમ પક્ષીઓ દોડયાં આવી ચણવા લાગે, તે રીતે એ જૂની પિછાનવાળા આધેડ અફસરનું એક જ દોંગું હાસ્ય સાંભળીને આ દુપટ્ટાવાળી ચીબી સુંદરીઓ એની સન્મુખ દોડી આવી. લળી લળીને એ બેઉ પરોણાઓને અંદર લીધા. મોટેરાના લાલસા-ભરપૂર ખડખડાટ હાસ્યે મકાનને ભરી દીધું. જુવાન તો હજુ આ કયા પ્રકારની સેલગાહ છે તેનો ઉકેલ કરી શક્યો નહોતો. ત્યાં તો આ સુંદરીઓના માલિકે સામા આવી ઝૂકીને આજ્ઞા માગી, “કેટલી જોશે સાહેબ?” “હો-હો-હો-હો,” મોટેરાએ હાસ્ય ગજાવીને જવાબ દીધો, “મારે જોઈશે ત્રણ, ને આમને માટે એક. એ હજુ નવો નિશાળિયો છે ખરો ને! હો-હો-હો-હો.” માલિકે તેમ જ સુંદરીઓએ એ કડાકા કરતું હાસ્ય ઝીલી લીધું, અને જુવાન અફસરને એક બીજા ખંડમાં ધકેલી દઈ એ મોટેરાએ ત્રણ સુંદરીઓના સંગમાં બગીચાનો લતામંડપ શોભાવ્યો. જીવનમાં આજે પહેલવહેલા અનુભવની મીઠી બેચેની, લજ્જા અને કંપારી પામી રહેલો એ યુવાન પોતાને સારુ પીરસાવાની સુંદરીની વાટ જોતો — અથવા તો ધાસ્તી અનુભવતો – બેઠો છે. બહારના બાગમાં બજી રહેલ નૃત્યગીતના ઘેરા ઝંકાર એ કાચના કમાડોની ઝીણી ચિરાડો વાટે અંદર ટપકી રહેલ છે. સાંભળનારને મીઠો નશો ઉપજાવે એવી ઘેરી માધુરી એ સંગીતમાં ભરી છે. એકાએક એ યુવાનની નજર સામી દીવાલ પર પડી. કાચની એ પારદર્શક ભીંત ઉપર એક છાયા-છબી નૃત્ય કરી રહી છે. પાતળિયો, ઘાટીલો અને અંગેઅંગના મરોડ દર્શાવતો એ પડછાયો બરાબર પેલા બહારના સંગીતને તાલે તાલે જ ડોલે છે. એકાંતે, અણદીઠ અને નિજાનંદે જ નાચતી એ પ્રતિમા જાણે કોઈ ચિત્રમાંથી સળવળી ઊઠી છે. યુવાને એ બાજુનું બારણું ઉઘાડ્યું. એકલી એકલી મૂંગા મૂંગા નૃત્યની ધૂન બોલાવી રહેલી એક કન્યા થંભી ગઈ. બન્ને જણાં સમજતાં હતાં કે અહીં આવનાર અતિથિને મનમાન્યું પાત્ર પસંદ કરી લેવા હક્ક છે. પરદેશી યુવાન એ કન્યાને કાંડું ઝાલીને પાછલા લતોધાનમાં ઉઠાવી ગયો. પોતાની બીજી તમામ સંગિનીઓથી જુદી પાડી રાખીને પોતાને એકને જ શા માટે આ વેશ્યા-ગૃહના માલિકે અહીં એકાંતમાં સંઘરી હતી એ સમસ્યામાં પડેલી આ કન્યા આનંદભર તરવર પગલે આ પરોણાની જોડે દોડી ગઈ. એણે પોતાના જીવનની સફળતા અનુભવી. કોઈક બે આંખોને એ આકર્ષી શકે તેવું રૂપ પોતાને ય છે, એવી એને લાગણી થઈ આવી. બાગની હરિયાળી ઝુંડ-ઘટામાં ચાંદની ચળાતી હતી. એ ચળાતાં ચંદ્રકિરણોને અજવાળે યુવાન એને નીરખી રહ્યો, ને એ તાજ્જુબ થયો, શા માટે આ એક જ મોં એ આખા સુંદરી-વૃંદમાંથી બાતલ રહ્યું હશે? શા માટે આવું સૌંદર્ય ઓરડે પુરાયું હતું? કન્યાની આંખોમાં તો કેવળ આભારનાં જ આંસુ ચમકી રહ્યાં. શરમાતી, સંકોડાતી, બીતી બીતી એ ઊભી રહી. હજુ એને ફફડાટ હતો કે કદાચ મહેમાન હજુ યે અણગમો પામીને ચાલ્યો જશે તો? એણે પોતાનું કિસ્મત એ જુવાનની બે આંખોના છાબડામાં તોળાતું દીઠું. બાળકના જેવી એ નિર્વ્યાજતાને નિહાળવામાં સુખની સમાધિ પામેલા એ યુવાને આખરે લાંબી વાર સુધીની એકીટશ દ્રષ્ટિને ઉઠાવી લઈ પહેલો પ્રશ્ન કર્યો, “તમારું નામ?” “ચુ-ચુ-સેન.” ઉત્તર આપતાં આપતાં છોકરીના અંતરમાં નવું અજવાળું થયું. “ચુ-ચુ-સેન!!” યુવકની જિજ્ઞાસા વધી; “એટલે શું?” કન્યાએ શબ્દનો અર્થ સમજાવવા યત્ન કર્યો. આ રંગીલા વહાણવટીઓની વિદેશી ભાષાનું ભાંગ્યું-તૂટ્યું જ્ઞાન ધરાવવું એ આંહીં દાખલ થતી સુંદરીઓનો વિશિષ્ટ ગુણ હતો. વેશ્યાગારની બહાર ચોડેલું પાટિયું એ સમાચાર મોટે અક્ષરે પોકારી રહ્યું હતું છતાં અઢાર વર્ષની ચુ-ચુ-સેન પોતાના નામનો સ્ફોટ ન પાડી શકી. થોથરાતી જીભે એણે કહ્યું, “એક જીવડું.” “કયું જીવડું?” જવાબમાં છોકરીએ શબ્દની ભાષાને પડતી મૂકી, ઈશારતની વિશ્વવાણી અજમાવી. બેઉ હાથના પંજાને પતંગિયાં-આકારે સંધાડ્યા, ને પતંગિયાંની પાંખો હલે તે રીતે હલાવ્યા. “ઓહો! પતંગિયું?” યુવક હસ્યો. “એ જ, એ જ.” આશાતુર આંખે તાકી રહેલી છોકરીએ પોતાની સમજાવવાની શક્તિનો વિજય અનુભવ્યો. બીજા પ્રશ્નની રાહ જોતી એ સ્મિતભરી અને ઓશિયાળભરી ઊભી રહી. — ને થોડી વાર પછી સમાપ્ત થયેલી પિછાને જ્યારે એ બન્નેને સુખાલિંગનની સમાધિમાં બે-પાંચ ઘડી વિલીન બનાવ્યાં હતાં, ત્યારે મકાનની ઊંચી ઓસરીમાંથી કોઈ ચાબૂકનો ફટકો પડે તેવો એક અવાજ આવ્યો, “ચુ-ચુ-સેન!” સુખસમાધિ ભાંગી ગઈ. વેશ્યાલયનો માલિક રાતોપીળો થતો આવીને ઊભો રહ્યો. કંઈક ભૂલ થઈ છે એવા ભાવથી યુવક પણ થંભી ગયો. “ચુ-ચુ-સેન, અંદર જા.” માલિકે આજ્ઞા કરી. છોકરીએ પરદેશી તરફ રંક દ્રષ્ટિ કરી. પણ માલિકની દ્રષ્ટિ વધુ વેધક બનતાં એ અંદર ચાલી ગઈ. “કેમ? શા માટે અંદર જાય?” મહેમાને પૈસા આપનાર ખરીદદારની કડક ભાષામાં વાંધો ઉઠાવ્યો. માલિકે દુભાયલે સ્વરે કહ્યું, “તમે સમજતા નથી, મહેરબાન! પણ આ છોકરી અમારી બીજી તમામ છોકરીઓ કરતાં ચડિયાતાં કુટુંબમાંથી આવેલી છે. અમારો રિવાજ એવો છે કે ઊંચા કુળની છોકરીઓને અમારાથી ટૂંક વખતના ખપ માટે ન વપરાય.” “એટલે?” “એટલે કે એની સોબત કરવી હોય તો તમારે એની જોડે અમારા દેશની ધર્મ-વિધિ પ્રમાણે લગ્ન કરવાં જોઈએ.” “લગ્ન?” યુવકને આશ્ચર્ય થયું. “હા, લગ્ન; પણ તે તો હંગામી લગ્ન, કામચલાઉ લગ્ન, મહિના, બે મહિના, કે ચાર મહિના પૂરતાં જ. જેવી તમારી જરૂરિયાત.” “પછી?” “પછી તમારી મુદ્દત પૂરી થયે તમે તમારે દેશ ચાલ્યા જાઓ, ને છોકરી પોતાના કુટુંબમાં ચાલી જાય.” “એટલે? પછી શું અમારી કશી જવાબદારી નહીં?” “ના જી, કશી પણ નહીં.” “છોકરીનું શું થાય? એની ઈજ્જતને શું એબ ન બેસે?” “ના રે ના મહેરબાન! એ તો ગંગાનાં નીર જેવી પવિત્ર જ રહે, કુમારિકા જ લેખાય, ને પછી એનાં કાયમી લગ્ન બીજે ફાવે ત્યાં થઈ શકે.” “સાચું કહો છો?” “અરે સાહેબ, બુદ્ધદેવના સોગંદ પર.” “ચાલો ત્યારે. બે મહિના માટે હું ચુ-ચુ-સેન સાથે લગ્ન કરવા તૈયાર છું.” બીજા દિવસને પ્રભાતે ધર્મમંદિરની અંદર બુદ્ધપ્રભુની ધ્યાનસ્થ પ્રતિમાની છાયામાં એક દેશી પુરોહિતના અગમ્ય મંત્રોચ્ચાર પ્રમાણે આ વિદેશી નાવિક અને અઢાર વર્ષની ચુ-ચુ-સેન એક મુદતબંધી લગ્નની ગ્રંથિમાં જોડાઈ ગયાં. દેવાલય હતું, દેવપ્રતિમા હતી, દીપમાલા અને ધૂપ-નૈવેદ્ય હતાં, ધર્મગુરુના સ્તોત્રોચ્ચાર હતા. વડીલો અને અન્ય લગ્ન-સાક્ષીઓની નાની મેદની હતી. વરકન્યાનાં અંગ ઉપર મંગલ વસ્ત્રપરિધાન હતાં. લગ્નક્રિયા તો એ-ની એ પ્રચલિત જ હતી. આવો ગૌરવયુક્ત લગ્નસમારંભ એ અઢાર વર્ષની ચુ-ચુ-સેનના દિલ પર એક કાયમી વિવાહની જ છાપ પાડી ગયો. ઠરાવેલી નાની મુદત વિશે એને ઝાઝું ભાન નહોતું રહ્યું. અલાયદું ઘર વસાવીને યુગલ રહેવા લાગ્યું. ‘મારું પતંગિયું! મારું પતંગિયું!’ એ શબ્દો વરના મોંમાંથી સુકાતા નહોતા, ને નાનકડી ચુ-ચુ-સેન એના પહોળા ખોળામાં સમાતી નહોતી. પતિનાં ચરણોને પોતાની આંખો પર ચાંપતી ચુ-ચુ-સેન આ વિદેશીને પૂછતી કે “તમારા દેશમાં લગ્ન કેવાં હોય?” સુખમાં ગરકાવ બની રહેલ સ્વામી ઘેનમાં ને ઘેનમાં બોલી ઊઠતો કે “અમારે ત્યાં તો સ્ત્રી-પુરુષ સામસામી પ્રતિજ્ઞા કરે કે — ‘મૃત્યુ આપણને નહીં વિછોડે ત્યાં સુધી, જીવનની છેલ્લી ઘડી સુધી હું તારી રક્ષા કરીશ, સેવા કરીશ, બેવફા નહીં બનું.’ આ પ્રતિજ્ઞાના સૂર ચુ-ચુ-સેનની આંખોમાં શ્રદ્ધાનું સંગીત રેડતા હતા. [૨] વિદેશી નૌકાને વિદાય થવાના બે પાવા તો વાગી ચૂક્યા હતા. નૌકાનાં યંત્રો ધબકતાં હતાં. સીડી ખેંચાઈ જવાને બહુ ઝાઝી વાર નહોતી. એ વખતે બે માસની અવધ પૂરી કરીને જુવાન નાવિક પોતાના કામચલાઉ લગ્ન-જીવનમાંથી બહાર નીકળતો હતો. સાથે ચુ-ચુ-સેન એને વિદાય દેવા આવતી હતી. “બસ, ચુ-ચુ-સેન!” નાવિકે એને અટકાવી, “હવે પાછી વળી જા!” “પાછા ક્યારે આવશો?” યુવાન થોભી ગયો. જવાબ ગોઠવતાં એને થોડી વાર લાગી. એણે કહ્યું, “પાછાં ચકલાં માળા બાંધશે ને, ત્યારે.” છેલ્લી ચૂમી ઝીલીને ચુ-ચુ-સેન ત્યાં ઊભી રહી. બે-ત્રણ વાર પાછાં વળી વળી દર્દભરી નિગાહ નાખતો નાવિક અદ્રશ્ય બન્યો ત્યાં સુધી એ ન ખસી. ને જ્યારે નૌકાનો ત્રીજો પાવો સંઘ્યાના ભૂખરા ઉજાસને ચીરતો એના કાન પર પડઘાયો, ત્યારે ચુ-ચુ-સેનની આંખો ઝાડમાં પાંદડાં તપાસતી હતી. ફાગણ-ચૈત્રની ઊઘડતી કૌમુદીમાં ચકલીઓના માળા ધીરા ધીરા ચીંચીંકારે ગુંજતા હતા. [૩] “જાગ્યો કે, દુત્તા! નીંદર જ ન મળે કે?” ઓગણીસ વર્ષની માતા આઠ મહિનાના બાળકને પારણામાં નિહાળતી પૂછતી હતી. “બા-પા-પા-પા!” બાળક હાથપગ આફળતો જીભના ગોટા વાળતો હતો. “હં-હં!” માનું મોં ભર્યું ભર્યું મલક્યું, “બા-પા! લુચ્ચાને ઝટ ઝટ ‘બા-પા’ જોવા છે, ખરું કે? પણ હમણાં નહીં, હમણાં નહીં. હજુ રાંડ ચકલીઓ માળા ક્યાં નાખે છે? હજુ તો શિયાળો છે બચ્ચા! ચકલીઓ થીજાઈને લપાઈ રહી છે. પછી ટાઢ ઊડશે, તડકી નીકળશે, વહાણલાં સોનલવરણાં બનશે, ચકલીઓ ગાતી ગાતી માળા નાખશે ત્યારે ‘બાપા’ આવશે, સમજ્યો?” એટલું કહીને માએ બાળકની હડપચી હલાવી, “સમજ્યો કે?” “બા-બા-પા-પા!” બાળકના મોંમાંથી સનાતન ભાષા સંભળાઈ. “દુત્તો નહીં તો! જો તો ખરી, ઓળખ્યા પારખ્યા વિના નામે બોલાવવા લાગી પડ્યો! ખબરદાર! ચૂપ! લપાટ મારીશ જો હવે એને બોલાવશે તો!” માએ નાક પર આંગળી મૂકી; હળવા હાથની લપાટ ચોડી. ખિલખિલાટ હસી પડતા બાળકના મોંમાંથી જવાબ આવ્યો, “બા-પા-પા-પા!” “હત ધુતારા!” મા હસી પડી, “આજથી જ બાપની ભેરે થઈ ગયો કે? જોઈ રાખજે. હવે તારે બેન આવશે ને, એટલે અમે ય તમારી બેની સામે બે જણાં થાશું, જોઈ રાખજે તું, પાજી!” ‘બા-પા-પા-પા’ના બાલ-સ્વરો છેક ઘરની બહાર જઈ પહોંચતા હતા, અને રસ્તે જતા લોક એ સાંભળીને એકબીજા સામે મિચકારા કરતાં હતાં. ‘ગાલાવેલી છે ગાલાવેલી!’ રસ્તા પરની કોઈ કોઈ સ્ત્રીઓ બોલતી હતી, ‘વાટ જોઈને બેઠી છે! લેજે હડસેલા! જો પેલો આવવા બેઠો છે તે!’ — અને એ અખૂટ ગિલાનો આનંદ માણતાં જતાં લોકોની પછવાડે ઓગણીસ વર્ષની એકાકિની જનેતાનો કંઠ જાણે કે એવા કોઈક ‘હાલા વાલા’ના સ્વરો લઈને ચાલ્યો જતો હતો, ઠંડા વાયુના સૂસવાટા સોંસરા કોઈ આવા અવાજ નીકળતા હતા, ધીરા વાજો રે ધીરા વાજો વાહુલિયા હો ધીરા ધીરા વાજો! બાળુડાના બાપુ નથી ઘરમાં, આથડતા એ દૂર દેશાવરમાં લાડકવાયો લોચે છે નીંદરમાં — વાહુલિયા હો ધીરા ધીરા વાજો! વીરા! તમે દેશ દેશે ભટકો, ગોતીને એને દેજો મીઠો ઠપકો, લખ્યો નથી કાગળનો કટકો! વાહુલિયા હો ધીરા ધીરા વાજો! — ને પારણાની દોરી હલાવતી માતાનાં પોપચાં નીંદર-ભારે ઢળી પડતાં હતાં. ઝોલાં ખાતી ખાતી એ ગાવું ચાલુ જ રાખતી હતી. નહોતી જાણતી કે જીભ લથડિયાં લ્યે છે, સૂતી’તી ત્યાં સ્વામી દીઠા સ્વપ્ને, વહાણે ચડી આવું છું કહેતા મને, વાહુલિયા! વધામણી દઉં તમને — — વાહુલિયા હો ધીરા ધીરા વાજો! પારણામાંથી અર્ધનિંદ્રિત સ્વરો આવે છે, બા-પા-પા- “હાં સૂઈ જા, જો; બાપા આવે છે હો કે! આંખો બીડી જા તો! કેટલાં બધાં વહાણો લઈને બાપા દરિયામાં ચાલ્યા આવે છે! ઓહોહો — કંઈક વહાણ — ઓ ચાલ્યાં આવે, વીરા! તમે મધદરિયે જાજો, વાલજીના શઢની દોરી સ્હાજો, આકળિયા નવ રે જરી થાજો, — વાહુલિયા હો ધીરા ધીરા વાજો! “બા-પા-પા-પા.” “હા, જો દરિયાની લેર્યોને હું વીનવું છું હો કે! સાગરની લેર્યો હો! બેનડીઓ હો! ભાઈલાના બાપાને રક્ષા કરીને લાવજો — બેન્યો મારી, લેર્યો સમુદરની હળવે હાથે હીંચોળો નાવડલી, હીંચોળે જેવી બેટાને માવડલી — — વાહુલિયા હો ધીરા ધીરા વાજો! “બા-પા-પા-પા-પા!” “હાં સૂઈ જા! બાપા આવશે. આપણે ઊંઘી ગયાં હશું તો જ આવશે. છાનામાના આવશે. જાગતાં રહીશું તો નહીં આવે હો! સૂઈ જા! ક્યારે આવશે ખબર છે? પાછલી રાતે આવશે, પાછલી રાતે આંખો મળેલી હશે ધીરી ધીરી સાંકળ રણઝણશે. બેમાં પે’લી કોને બચી ભરશે? — વાહુલિયા હો ધીરા ધીરા વાજો! “પહેલી બચી કોને ભરશે? મને કે તને? બોલ જોઉં! નહીં કહે? મને નહીં કહે? કહે તો એક વાર — ” નિંદ્રાધીન બાળકના પારણા પાસે મા પણ ઢળી પડી. [૪] “અમે તને ઘેર તેડી જવા આવ્યાં છીએ. હવે તું કોની રાહ જોઈને બેઠી છે?’ “દાદાજી, મને ન તેડી જાઓ. એ આવશે.” “શું કપાળ તારું આવશે? બે વર્ષો ચાલ્યાં ગયાં છતાં યે હજુ તારું ‘આવશે! આવશે!’નું ગાણું અટકતું નથી?” ભવાં ચડાવીને ઊકળતા શબ્દો કાઢનાર એ વૃદ્ધ તરફથી વળીને ચુ-ચુ-સેને પોતાની વિધવા માતા તરફ જોયું. “ત્યાં શું જુએ છે?” વૃદ્ધ બરાડ્યો, “અહીં જો. સાંભળ. એ નહીં આવે.” “પણ એણે મારી જોડે લગ્ન કર્યા છે. એણે મને કહ્યું છે, કે એના દેશમાં તો ‘મૃત્યુ સુધી હું તને પાળીશ, ચાહીશ ને રક્ષીશ એવી રીતે પ્રતિજ્ઞાથી પરણાય છે.” “પાગલ છોકરી! એના દેશની વાત ભૂલી જા. તમારાં લગ્ન તો આપણા દેશના કાયદા મુજબ કરેલાં હતાં. બે માસનાં કામચલાઉ લગ્ન હતાં એ.” ચુ-ચુ-સેન થોડી વાર થંભી ગઈ. પછી એ બોલી, “છતાં એ કહીને ગયો છે કે હું આવીશ. એ કંઈ જૂઠું કહે!” “કપાળ તારું! ખેર, તું તારે ફાવે તેમ કર. પરંતુ તારી બેવકૂફીનો ભોગ આ છોકરો શા માટે થાય? અમે છોકરાને લઈ જઈએ છીએ.” એમ કહીને વૃદ્ધે ત્યાં બેઠેલ બે વર્ષના બાળક ઉપર હાથ મૂક્યો. “નહીં, કદી નહીં!” માતાએ છાતીફાટ ચીસ પાડી, “નહીં લઈ જવા દઉં. હું, આ ઘર, આ છોકરો – બધાં એનાં જ છીએ. અમે કોઈ નહીં આવીએ. ન સતાવો. અમને એની વાટ જોવા દો, ઓ દાદાજી! ઓ બા! અમને ગરીબને ન સંતાપો. અમે તમારું શું બગાડયું છે? અમારો માળો ન વીંખી નાખો.” “સારું! પડો ઊંડા દરિયામાં. ઊઠો આપણે સહુ.” કહેતો વૃદ્ધ પુરુષ ઊભો થયો. ચુ-ચુ-સેનની મા, એનાં ભાંડુ વગેરે સમસ્ત કુટુંબ ઊઠ્યું. વૃદ્ધે સહુને સંભળાવ્યું, “આજથી આ છોકરી મૂએલી માનજો સહુ.” એક પછી એક સ્વજન નીચે માથે ત્યાંથી વિદાય થઈ ગયું, ચુ-ચુ-સેનના હાથ પોતાની માને પકડવા માટે જરીક લંબાયા, પાછા ખેંચાઈ ગયા. થોડી વારે જ્યારે એની એકઘ્યાન નિ:સ્તબ્ધતા તૂટી ત્યારે એણે જોયું કે આખા સંસારમાં હવે એ બે જણાં રહ્યાં હતાં ને ત્રીજી એક ઘરની ચાકરડી હતી. બાળક અને ચાકરડી, બેઉ એની સામે તાકી ઊભાં હતાં. “મને એક વિચાર આવે છે.” ચુ-ચુ-સેન આંખોની પાંપણો મટમટાવતી બોલી; પોતે જાણે કોઈ મહાન શોધ કરી નાખી હોય તેમ એ બોલી: “એ કહી ગયા છે કે ચકલાં માળા નાખશે તે વેળાએ પાછો આવીશ. એ જૂઠું ન કહે. કદાચ એના દેશનાં ચકલાં આપણા દેશનાં ચકલાંની પેઠે વરસોવરસ માળા નહીં ઘાલતાં હોય તો?” “હા, બા, એ વાત સાચી હો! એ વિચારવાનું તો આપણે છેક ભૂલી જ ગયેલાં.’ દાસીએ સૂર પુરાવ્યો. “હં-હં-હં-હં!” ચુ-ચુ-સેન પણ હસી, “કેવાં પણ આપણે ય તે? ખરી વાત જ ભૂલી ગયાં ને મનમાં મનમાં હું ય કેવી કૂડી શંકા કરવા લાગી’તી! હં-હં-હં-હં!” ફરી વાર એ હસી. “ત્યારે હવે શું કરવું બા? આપણે શી રીતે નક્કી કરશું કે એના દેશમાં ચકલાં ક્યારે માળા નાખે છે?” “આપણે કોઈક ડાહ્યાં માણસોને પૂછી જોઈએ. જો તો, આપણે કેવાં ઉતાવળાં બની ગયાં! કેવાં અધીરાં! આપણા મનમાં કેવો પાપી વિચાર આવવા લાગેલો! એ કદી જૂઠું કહીને જાય જ નહીં.” આ નવી શોધના હર્ષ-ઉમળકામાં માએ બાળકને તેડી લીધો. [૫] “સાહેબ! એ બાઈ કહે છે કે એનું નામ મિસિસ… છે અને એના પતિ આપણા દેશબંધુ છે.” “અંદર આવવા દો.” પરાયા દેશની અંદર પોતાના વતનની એક સન્નારીને મળવા આવતી જાણી, એનું સ્વાગત કરવા માટે એ વિદેશી એલચી ખુરશી પરથી ઊભો થયો પરંતુ બારણું ઊઘડતાંની વારે જ એણે જે સ્ત્રીને દીઠી તેના દર્શન માત્રથી જ એ વિદેશી હાકેમનો નારી-સન્માનનો ઉમળકો પાછો વળ્યો. “સલામ, સલામ એલચી સાહેબ!” કહેતી હસતી ચુ-ચુ-સેન હાથમાં એક હળવા પંખાના છટાદાર ફરફરાટ સાથે અંદર આવી; અને પરદેશી એલચી કશું પૂછે તે પહેલાં એણે પોતાની ઓળખ આપી, “હું… મિસિસ…” પરદેશી પ્રતિનિધિએ આ ધૃષ્ટ સ્ત્રીને માથાથી પગ સુધી નિહાળી. ક્ષણમાત્રમાં એણે આ સ્ત્રીના દિદાર પોશાક પરથી પારખી લીધું કે ‘મિસિસ…’નો અર્થ શો હોઈ શકે. ભ્રમિત દેખાતી વારાંગ-વનિતા પ્રત્યે એને કરુણા ઊપજી. એણે પૂછ્યું, “તમારે શું જોઈએ છે?” “હેં એલચી સાહેબ!” ચુ-ચુ-સેને પૂછ્યું, “તમે તો મોટા માણસ છો. ઘણા વિદ્વાન છો. તમે પક્ષીઓ વિષે તો બધી વાતો જાણતા જ હશો, નહીં?” વિદેશીના તિરસ્કાર અને અનુકમ્પાથી રંગાયેલા ભાવમાં વિસ્મયની માત્રા ઉમેરાતી હતી. એણે પૂછ્યું, “કેમ? તમારે અહીં પક્ષીઓ વિશે પૂછવાનું શું પ્રયોજન પડ્યું છે?” “હું પૂછું, કે તમારા દેશની અંદર ચકલાં માળા ક્યારે નાખે?” વિદેશીનો અચંબો વઘ્યો. કંઈક ગમત પડવા લાગી, પૂછ્યું, “એ વાત શા માટે પૂછો છો?” “એ તો એમ બન્યું છે સાહેબ, કે આ બાળકના બાપુ જ્યારે અહીંથી તમારે દેશ ગયા, ત્યારે કહેતા ગયા છે કે ચકલાં પાછા માળા ઘાલશે ત્યારે હું આવી પહોંચીશ; હવે એમના ગયા પછી અહીંનાં ચકલાંએ તો બબ્બે વાર માળા ઘાલી નાખ્યા, તો પણ એ આવ્યા નહીં. ને એ જૂઠું તો બોલે જ કેમ? તમારા દેશનાં માનવી કંઈ આવું જૂઠું બોલે કદી? ત્યારે કેમ ન આવ્યા? તમારા દેશમાં…” “બાઈ!” પરદેશી એલચીએ આ સ્ત્રીની મીઠી ભ્રમણાને ભાંગવાની હામ ન ભીડી, “તમારી કલ્પના સાચી છે. અમારા દેશમાં તો ચકલાં ત્રણ ત્રણ વર્ષે માળા નાખે છે.” “બસ, બસ.” ચુ-ચુ-સેનની આંખો હર્ષાશ્રુમાં ના’વા લાગી, “હવે મને સમજાયું. ઘણી મોટી મહેરબાની થઈ તમારી, એલચી સાહેબ! ઘણો અહેસાન તમારો.” ઝૂકી ઝૂકી નમન કરી જ્યારે ચુ-ચુ-સેન દીકરાને ચૂમીઓ કરતી, નાનો પંખો ફરફરાવતી ને દુપટ્ટાના છેડા ઝુલાવતી ઑફિસની બહાર ચાલી ગઈ ત્યારે વિદેશી એલચી ધરતી સાથે જડાઈ ગયા જેવો થંભી ગયો હતો. તિરસ્કાર, મશ્કરી અને વિસ્મયને બદલે એની આંખોમાં અનુકમ્પા ગળતી હતી. [૬] ફરી એક વાર સાગર-સુંદરીના સાળુના સળ લહેરે ચડ્યા હતા. ફરી એક વાર આથમતો સૂર્ય એ સાળુ ઉપર ટીબકીઓ ચોડતો હતો. સાત નૌકાઓનું એનું એ જૂથ ઝૂલણ-ગતિએ ચાલ્યું આવતું હતું. “દાસી! જો આવ્યાં, વહાણ આવ્યાં, એનાં વહાણ આવ્યાં.” એવા હર્ષોદગાર મચાવતી ચુ-ચુ-સેન ઘેલી થઈને ઘરમાં દોડાદોડ કરવા લાગી. બારીનાં બારણાં એણે ઉઘાડાં ફટાક મૂકી દીધાં. દીકરાને તેડીને બારી પર ઊભો રાખ્યો, “જો આવે, જો બાપુ આવે, જો એના વહાણના વાવટા દેખાય.” એવું કહીને અઢી વર્ષના કીકાને દરિયા પરનો કાફલો દેખાડવા લાગી. પાછી એ ઘરમાં દોડી, “દાસી, જા ઝટ, તું ફૂલોના હાર, સુગંધી ચૂવા, આસમાની બત્તીઓ, જેટલી બને તેટલી સામગ્રી લઈ આવ. એ હમણાં જ અહીં આવીને ઊભા રહેશે. એના સ્વાગતની તો કશી જ તૈયારી ઘરમાં નથી. તું જલદી જા.” દાસી પણ ઘરમાં આગળપાછળ બેચાર આંટા મારીને શૂન્ય ચહેરે ઊભી રહી. “કેમ ઊભી છે?” “પૈસા?” “ઓ…હો!” ચુ-ચુ-સેનને યાદ આવ્યું, “પૈસા નથી? કેટલા છે? ઠીક ત્યારે જા, ફક્ત અગરબત્તી જ લઈ આવ. જલદી લઈને આવ. એ હમણાં જ અહીં આવી પહોંચશે. એકલો ધૂપ જ કરશું.” પરદેશી જતી વેળા પોતાના કામચલાઉ લગ્નની જે રકમ ચૂકવી ગયો હતો, તેમાંથી ત્રણ વર્ષનું ગુજરાન ચલાવ્યા પછી તે દિવસે સિલિકમાં ફક્ત ધૂપસળીઓ ખરીદવા જેટલા જ પૈસા રહ્યા હતા. પછી તો એક બાજુ પોતે, બીજી બાજુ દાસી, ને વચ્ચે બાળક એમ ગોઠવાઈને ત્રણે જણાં બારી ઉપર ઊભાં રહ્યાં. ચંદ્ર ઊગ્યો. સમુદ્ર જાણે ડોલર ફૂલોનો ભર્યોભર્યો થાળ બની ગયો. ચંદ્ર પણ આખરે આથમ્યો. પરોઢિયું થયું ત્યારે બાળક અને દાસી ત્યાં બારી પાસે જ ઢળી પડ્યાં હતાં. ઊભી હતી એક ચુ-ચુ-સેન. સાગરના થાળમાંથી ડોલરના ફૂલહાર ખલાસ થયા અને પ્રભાતના પારિજાતકની છાબ છલકી, ત્યાં સુધી એ ઊભી જ રહી. બાળકે જાગીને પૂછ્યું, “બાપુ ક્યાં?” [૭] “દાસી!” તે દિવસના સંઘ્યાકાળે પાછી ચુ-ચુ-સેન ઘરમાં દોડી. છોકરાને ઉપાડ્યો. “દાસી, એ આવે છે. આવ્યા. તું કીકાને લઈને પાછળના ચોગાનમાં ચાલી જા. હમણાં આપણે એને કીકો દેખાડવો નથી. પછી અમે બેઉ બેઠાં હોઈએ ને, ત્યારે તું કીકાને લાવજે. એમના ખોળામાં જ બેસે હોં! એ ચકિત થઈ જશે.” એમ કહેતી, કીકાને દાસી સાથે બહાર ધકેલી, ચુ-ચુ-સેન દ્વાર પર આવી. અને રિક્ષા-ગાડીના ઘૂઘરા સ્તબ્ધ બન્યા કે તરત જ એણે કાચનાં દ્વાર બેઉ દિશામાં ધકેલી દીધાં. ઉંબર પર હાથ પહોળા કરીને એ ઊભી રહી. પરદેશી આવ્યો. એનાં પગલાંમાં પ્રાણ નહોતો. “આટલાં બધાં વર્ષો! શું ચકલાએ ત્યાં માળા નાખ્યા?” એટલું બોલતી ચુ-ચુ-સેને એના હાથ ઝાલી લીધા. “હું-હું વિદાય માગવા આવ્યો છું..” યુવાને ઉંબરની બહાર જ ઊભા રહી કહ્યું. “કેમ? ગમત માંડી?” એટલું બોલ્યા પછી ચુ-ચુ-સેને મહેમાનની આંખો નિહાળી. પકડેલા હાથ એણે ઢીલા કર્યા. યુવકે પછવાડે ખડકી પર નજર કરી. ચુ-ચુ-સેનની દ્રષ્ટિ પણ ખડકી પર ગઈ. રિક્ષામાં એક જણ બેઠું હતું. “ઓ! એ કોણ છે બીજું?” ચુ-ચુ-સેને હાથ છોડી દઈને પૂછ્યું. “મારી પરણેલી સ્ત્રી.” “એ…મ! હાં, હાં,” એને યાદ આવ્યું, “તમારી પાસે મેં જેની છબી જોઈ હતી તે જ?” યુવકે ડોકું ધુણાવ્યું. ચુ-ચુ-સેને પલભર એ સ્ત્રીને અને પલભર આ પુરુષને, એમ વારાફરતી નીરખ્યા જ કર્યું. પુરુષે થોડી વારે કહ્યું, “મને કહેવામાં આવેલું કે તું તો પછી તારા કુટુંબમાં ચાલી જશે.” “હં—હં!” ચુ-ચુ-સેને એ વાત સમજવા કોશિશ કરી, પછી જાણે સમજ પડી ગઈ હોય તેમ ઉમેર્યું, “ત્યારે તો બરાબર!” “હું — બહુ — દિલગીર છું.” યુવકે ખોંખારી ગળું સાફ કરતાં કહ્યું. “ના, ના.” ચુ-ચુ-સેને સહેજ સ્મિત કર્યું, ‘ઊલટાની હું તમારી વારંવાર ક્ષમા માગું છું. તમને — તમારી — પરણેલી — પત્ની જોડે — હું — સુખી — ઈચ્છું છું —” થોથરાતાં થોથરાતાં એણે માંડ માંડ વાક્ય પૂરું કર્યું. — ને પછી બેઉ કમાડ ખેંચીને ભેગાં કર્યા. ઊપડતી રિક્ષાની ટોકરીઓ એને કાને પડી. અંદર જઈને એણે દાસીને બોલાવી, કહ્યું, “કીકાને હવે દાદાજી પાસે લઈ જા. સોંપી દેજે — મારા વતી સહુની ક્ષમા માગજે.” કમાડની બહાર નીકળ્યો ત્યાં સુધી બાળક પાછો વળી મા સામે જોતો હતો. મા પીઠ દઈને ઊભી હતી. એકલી પડી. ઘર બંધ કર્યું. પોતે જેને નિરંતર પૂજતી તે પ્રિય છબીની પાસે ગઈ. છબીની પાસે એક છૂરી પડી હતી તે ઉપાડી. મ્યાનમાંથી છૂરી બહાર કાઢી. છૂરી ઉપર કોતરેલા શબ્દો વાંચ્યા, ‘કલંકિત જિંદગી કરતાં ઈજ્જતભર્યું મૃત્યુ બહેતર છે.” શાંતિથી એ છૂરીને એણે ગળામાં પરોવી લીધી. એનું ક્લેવર તમ્મર ખાઈને જ્યારે ધરતી પર પટકાયું, ત્યારે એ ધબાકો સાંભળવા ત્યાં કોઈ હાજર નહોતું. રિક્ષા-ગાડીના ઘૂઘરા દૂર દૂર રણઝણતા હતા. [[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]] [[શ્રેણી:ટૂંકીવાર્તા]]⏎ [[શ્રેણી:ગુજરાતી]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?diff=prev&oldid=11575.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|