Difference between revisions 10744 and 11767 on guwikisourceનાટક: ‘મિથ્યાભિમાન’ (અંક ૪, પ્રવેશ ૧, ભોજન પ્રસંગ) સ્થળ – રઘનાથ ભટ્ટનું ઘર દેવબાઈ – ઊઠો, હવે નાહી લો. કંસાર, દાળ, ભાત તૈયાર છે, અને રસ જાય છે. જીવરામ – અમે સોમનાથ ભટ્ટને કહેલું છે કે અમારે તમારા ઘર ખાવું નથી. સોમનાથ – લો, એ તો જાણ્યું જાણ્યું ! હવે છાનામાના નાહી લો. લો નાહવાનું પંચિયું. જીવરામ – ના, અમારે નથી જમવું. (એમ કહેતો કહેતો પંચિયું પહેરીને રહે છે.) સોમનાથ – ચાલો ખાળે. (હાથ ઝાલીને ખાળે લઈ જઈ બેસારીને) આ ઊનું પાણી છે તેથી નાહો. (આઘો જાય છે.) જીવરામ – (બીજું હાંલ્લું પડખે હતું તે પોતાના પર રેડે છે.) હર હર ગંગે! હર હર ગંગે! થૂં! થૂં! થૂં! સોમનાથ – અરે! હાય હાય! આ શું કર્યું? જીવરામ – કેમ શું છે? થૂં! થૂં! થૂં! સોમનાથ – અરે! એ મેલાં હાલ્લામાં તો ભેંસનું મુતર હતું. ઊના પાણીનું તો પેલું ઊજળું હાલ્લું છે. જીવરામ – તમને પારકા દુઃખની ખબર પડે નહીં, એટલે હસો છો. સોમનાથ – કેમ વારુ? જીવરામ – અમે જાણ્યા વગર એમ કર્યું નથી. થૂં ! થૂં ! થૂં !!! રંગલો – જીવરામ ભટ્ટ દેખતા નથી, એમ તમે જાણશો નહીં. જીવરામ – અમારે શરીરે લૂખસ થઈ છે, માટે વૈદે કહ્યું છે કે પ્રથમ ભેંસના મુતરે નાહીને પછી ઊને પાણીએ નાહવું, એટલે લૂખસ મટી જશે. તેથી અમે પ્રથમ ભેંસના મૂતરે નાહ્યા. હવે આ ઊને પાણીએ નાહીશું. સોમનાથ – ઠીક છે, નાહો. (જીવરામ નાહીને ઊભ થઈને ફાંફાં મારે છે; અબોટિયું જડતું નથી, તેથી નાક ઝાલી ઊભો રહે છે.) દેવબાઈ – હવે ઝટ અબોટિયું પહેરો, વાળુ ઠરી જાય છે. રંગલો – નાક સંભાળે છે, જે નાક છે કે ગયું ? જીવરામ – તમે ગામડિયા લોકો શું સમજો? અમે રોજ નાહીને ત્રણ ઘડી સુઘી પ્રાણાયામ કરીએ છીએ; ત્યારે આજ એક-બે ઘડી સુઘી કરીએ. રઘનાથ – (સોમનાથને) તે અબોટીયું દેખી શકતો નથી માટે ઢોંગ કરે છે. તું જઈને એના હાથમાં અબોટિયું ઝોંસ. સોમનાથ – લો, આ અબોટિયું પહેરો. (જીવરામ અબોટિયું પહેરીને ઊભો રહે છે.) દેવબાઈ – વળી કેમ ઊભા થઈ રહ્યા? ચાલો ઝટ, આવીને આ પાટલે બેસો. જીવરામ – અમે અમારા વિચારમાં ઊભા છીએ. કાંઈ અમસ્તા ઊભા નથી. દેવબાઈ – વળી શો વિચાર થયો? રંગલો – વિચાર પેલા ભવના નસીબનો! જીવરામ – શો તે શો? અમારા સસરાને પૂછો ને! દેવબાઈ – તમારા સસરાને શું પૂંછું? તમો જ કહો ને! જીવરામ – અમને દશ રૂપિયાની પાઘડી આપવાની કહી છે, તે આપો તો જમવા બેસીશું; નહીં તો અમારે જમવું નથી. દેવબાઈ – અત્યારે પાઘડી ક્યાં લેવા જાય? સવારે આપીશું. જીવરામ – અમારે અત્યારે જોઈએ. પછી તમે સવારે કાંઈ આપો નહીં, માટે કાં તો કોઇને કબુલાવો. દેવબાઈ – આટલી દશ રૂપિયાની પણ અમારી શાહુકારી નથી કે? જીવરામ – એ તો બઘા સંસારની રીત છે કે જેને નાણાવટીઓ હજાર રૂપિયા ધીરતા હોય, તેની પાસે પણ જમાઈ પાંચ રૂપિયા વાસ્તે જબાન માગે. રઘનાથ – (હળવે, સ્ત્રીને) તે આંધળાને દોરી લાવીને બેસાર. દેવબાઈ – (હાથ ઝાલીને) ચાલો, ચાલો, પાઘડી સવારે આપીશું. જીવરામ – ના, ના, ઊંહું ! ઊંહું! અમારે નથી જમવું, નથી જમવું. (એમ કરતો આવે છે.) રંગલો - કથને તો ના ના કહે, હૈયામાં હા હોય; ધુતારાના ઢોંગ તે, કળી શકે સહુ કોય. દેવબાઈ – આ પાટલા ઉપર બેસો, હું રસોડામાં થી કંસાર લઈ આવું. (એમ કહીને ઝટ જાય છે.) (જીવરામ જમવા બેસે છે, પણ મોઢું ભીંત સામું થયું ને થાળી પૂંઠે રહી.) રંગલો – વાહ! વાહ! કહો છો ને કે જીવરામ ભટ્ટ દેખતા નથી? દેવબાઈ – (આવીને) અરે! એમ અવળે મોઢે કેમ બેઠા છો? આમ ફરીને બેસો. થાળી તો પછવાડે રહી. જીવરામ – અમે કાંઈ વગર જાણે અવળે મોઢે બેઠા નથી, પણ અમારે જમવું નથી, માટે આમ બેઠા છીએ. દેવબાઈ – હવે આ તરફ મોઢું ફેરવો. જીવરામ – પાઘડી આપો તો મોઢું ફેરવીશું; નહીં તો અમારે જમવું નથી. દેવબાઈ – (ઝાલીને ઊભા કરી બેસારે છે.) જુઓ, આ કંસાર એટલો કે વધારે જોશે? જીવરામ – (હાથ ફેરવીને) આટલો બસ છે. (દેવબાઈ ઘીની વાઢી લેવા જાય છે. ત્યાં પાડી આવેને થાળી માંથી કંસાર ખાઈ જાય છે.) જીવરામ – શું કરવા હલાવ હલાવ કરો છો ? એ તો હમણાં ઠરી જશે. દેવરામ – (આવીને) અરે, હાય! હાય! કંસાર તો પાડી ખાઈ જાય છે. તમે થાળીની ખબર કેમ નથી રાખતા નથી? જીવરામ – છો ને ખાઈ જતી. અમારે જમવું હોય તો ખબર રાખીએ ને? રંગલો – સસરાના ઘરનું છોકરું કે વાછડું આવીને થાળીમાંથી ખાવા માંડે તો તેને કાઢી મુકાય કે? દેવબાઈ – (પાડીને હાંકીને બીજો કંસાર પીરસે છે.) જુઓ, એટલો કે વધારે જોશે? જીવરામ – એટલો બસ છે. (દેવબાઈ રસોડામાંથી વાઢી લાવીને ઘી પીરસે છે.) દેવબાઈ – વળી કંસાર ખાવા આવી કે ? લે, ખા ! ખા ! (જોરથી લાત મારે છે.) દેવબાઈ – અરર ! મૂઈ આ દીકરી, ને મૂઓ આ જમાઈ! મારો દાંત પડી ગયો! લોહી નીકળ્યું… થૂં ! થૂં ! થૂં !!! રંગલો – ઠીક કર્યું. ભલી લાપશી ખવરાવી. એ જ લાગની છે. જીવરામ – ઘરડાં થયાં પણ હજી તમને પીરસતાં આવડતું નથી. આટલું બધું ઘી રેડાય? આવી લાપશી તમે ખાઓ, અમને તો ભાવે નહીં. રઘનાથ – લાત શા વાસ્તે મારી? જીવરામ – અમારો સ્વભાવ આકરો છે. આમ ઘીનો બગાડ કરે તે અમારાથી ખમાય નહીં તેથી લાત મરાઈ ગઈ. દેવબાઈ – લો આ દાળ, ભાત અને શાક, હવે જમવા બેસો. (જીવરામ ભાત, દાળ વગેરે થોડાક એકઠાં કરીને ભોંય ઉપર ત્રણ બળિદાન મૂકે છે.) દેવબાઈ – તમે એ શું કર્યું ? જીવરામ – તમે જાણતા નથી કે? દેવબાઈ – તમારો સસરો રોજ આમ કરે છે ખરા, પણ પણ મેં કદી પૂછ્યું નથી કે આ શા વાસ્તે કરો છો? જીવરામ – એ બ્રાહ્મણના કુંળનો ધર્મ છે કે એમ કરવું, કેમ કે બ્રાહ્મણ જ્યારે જમવા બેસે છે ત્યારે તેમના દર્શન કરવાને ભૂપતિ એટલે બ્રહ્મા, ભુવનપતિ એટલે વિષ્ણુ અને ભૂતપતિ એટલે મહેશ્વર એ ત્રણે દેવો આવે છે. રંગલો – આવા મિથ્યાભિમાનીનાં દર્શન કરવા કેમ ના આવે? દરબારે ઢંઢેરો પીટાવ્યો છે માટે સવારે ગામના બધા લોકો દર્શન કરવાં આવશે. જીવરામ – તે માટે દેવોને બળિદાન આપીને જમવા માંડવું, નહીં તો એ ત્રણે દેવો નિરાશ થઈ ને શાપ દે એ. રંગલો – ખરી વાત ! તમે બળિદાન ન આપો તો તેઓ બિચારા ભૂખે મરે, માટે શાપ દે જ! દેવબાઈ – ત્યારે કદાપિ તમે તમારા ગામનો રાજા અને પ્રધાન, કોઈને ઘેર મળવા જાઓ તે વખતે તે જમવા બેસતો હોય ને તેના સામા જઈને બેસો; પછી તે દાળ ભાત વગેરે થોડુંક એકઠું ગંદા જેવું કરીને જેમ કૂતરા કે બિલાડીને વાસ્તે ભોંય ઉપર ખાવા નાખે, તેમ તમારા સામું નાખીને કહે કે – આ લો જીવરામ ભટ્ટ તમે, આ લો રાજાજી તમે, આ લો દીવાનજી તમે, તો બેઅદબી લાગશે કે નહીં? અને તેથી તમને રીસ ચઢશે કે નહીં? જીવરામ – માણસને રીસ ચડે, પણ દેવને ચડે નહીં, મોટાનાં પેટ મોટાં હોય, કહ્યું છે કે, મોટા તણાં પેટ સદૈવ મોટાં છોટા તણાં પેટ સદૈવ છોટાં, વર્ષાદને ગાળ જનો ભણે છે, તથાપિ તે ક્યાં કદીયે ગણે છે? (પછી કાંઈ બબડીને પાંચ કોળીયા મોંમાં મૂકે છે.) દેવબાઈ – આ શું કર્યું? જીવરામ – એ તો પ્રાણાગ્નિહોમ. દેવબાઈ – પ્રાણાગ્નિહોમ એટલે શું? જીવરામ – શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણનો દીકરો રોજ અગ્નિહોમના કુંડમાં હોમ કર્યા વિના જમવા બેસે તો તેને મહાપાપ લાગે છે, માટે તેને બદલે પ્રાણરૂપી અગ્નિમાં પ્રથમ પાંચ આહુતિઓ હોમીને જમે તો તેને અગ્નિહોત્ર કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. દેવબાઈ – કોળિયા વાળીને મોંમાં મૂક્યા, તે હોમ કર્યો કહેવાય કે? જીવરામ – હા, પ્રાણાગ્નિહોમ કહેવાય. પછી અગ્નિમાં હોમ કરવાની ઝાઝી જરૂર નથી. દેવબાઈ – ત્યારે પ્રાણાગ્નિહોમ તો બધાં પ્રાણીઓ કરે છે, તેમાં તમે શી નવાઈ કરી? જીવરામ – આહૂતિનો મંત્ર ભણ્યા વિના કોળિયા ભરે તે પ્રાણાગ્નિહોમ કહેવાય નહીં. દેવબાઈ – ઠીક છે જમી લો. સોમનાથ – જીવરામ ભટ્ટ, તમે કાંઈ સંસ્કૃત અભ્યાસ કરેલો કે? જીવરામ – સંસ્કૃત, ફારસી, અરબી, લાટિન અને ઈંગ્રજી, એકે વિદ્યા અમારી અજાણી નથી, બધી વિદ્યાઓ અમે જોઈ લીધી છે. રંગલો – મિથ્યાભિમાનીનું અજાણ્યું કાંઈ ન હોય. એ તો માના પેટમાંથી ભણીગણીને જ અવતરેલા હોય. રઘનાથ – તમે કોની પાસે વિદ્યા ભણ્યા હતા? જીવરામ – અમારી મેળે અમે બધી વિદ્યાઓ શીખી લીધી છે, કોઈને ગુરુ કર્યો નથી. રંગલો – કપટી માણસ વિદ્યા ચોરી લે છે, અથવા ચોરાવી લે, પણ શિષ્ય થઈને ન લે. સોમનાથ – તમે એકે પુસ્તક રચ્યું કે? જીવરામ – હા, ‘જીવરામ વિનોદ’ નામનો મોટો ગ્રંથ અમે રચ્યો છે. રંગલો – કોઈક પાસે રચાવીને પોતાનું નામ ઘાલ્યું હશે બીજા કને કામ કશું કરાવે, તેનું બધું માન સ્વયં ધરાવે ગાડી તળે શ્વાન ગતિ કરીને, ફૂલાય છે ફૂલ વૃથા ધરીને. સોમનાથ – ત્યારે સંસ્કૃત શ્લોકનો અર્થ કરો ખરાં કે? જીવરામ – હોવે ! શા વાસ્તે ન કરીએ? શું એ અમે નથી જાણતા? સોમનાથ – ‘रामो लक्ष्मळमब्रवित्’ એટલાંનો જ અર્થ કરો જોઈએ. જીવરામ – ‘रामो लक्ष्मळमब्रवित…’ (છેલ્લો ત લંબાવીને બોલે છે.) સોમનાથ – ‘त्’ ટૂંકાવીને બોલવો કેમ કે તે ખોડો છે. જીવરામ – એમાં કાંઈ કઠણ નથી, ‘રામો’ એટલે રામ, ‘લક્ષ્મણ’ એટલે લક્ષ્મણ અને ‘મબ્રવી’ તે સીતા. સોમનાથ – શાથી જાણીએ કે મબ્રવી તે સીતા? જીવરામ – રામ અને લક્ષમણની જોડે સીતા વિના બીજી કઈ મબ્રવી હોય? એટલું અક્કલથી જાણીએ કે નહીં? સોમનાથ – પછી त् રહ્યો તેનો અર્થ જીવરામ – त् એટલે હનુમાન સોમનાથ – શાથી જાણીએ કે त् એટલે હનુમાન? જીવરામ – જો ને, त् નો પગ લંગડો છે કે નહીં? રંગલો – શાબાશ! શાસ્ત્રીબાવા શાબાશ! આવા શાસ્ત્રી તો કાશીમાં પણ નહીં હોય ! સોમનાથ – તમે અંગ્રેજીનો અર્થ કરશો કે? જીવરામ – અંગરેજી શું? તમારે ગમે તે પૂછો ને ! સોમનાથ – ‘Twinkle Twinkle Little Star’ (ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર) એટલાનો જ અર્થ કરો ને ! જીવરામ – એમાં શું છે? ટ્વિંકલ ટ્વિંકલ એટલે ટપકાં ટપકાં, અને લિટલ લિટલ એટલે લીટાં લીટાં, સાહેબ કરે છે તે, (હાથનો ચાળો કરી બતાવે છે.) સોમનાથ – એમાં તો આકાશના ચળકતા નાના તારા વિશે છે ! જીવરામ – ત્યારે અમે એ જ કહ્યું કે નહીં? દુનિયાનો સાહેબ આકાશમાં ટપકાં ટપકાં અને લીટા લીટા કરે છે તે. સોમનાથ – ત્યારે અમારા દરબાર સ્કૂલ સ્થાપનાર છે, તેના માસ્તર તમે થશો? જીવરામ – ઉપરવાળાની મહેરબાની હોય તો સ્કૂલ તો શું પણ કોલેજનું કામે ચલાવી શકીએ. દેવબાઈ – હવે કંસાર કે કાંઈ લેશો કે? જીવરામ – ના હવે ભાત લાવો. (દેવબાઈ ભાત પીરસે છે.) જીવરામ – (જમીને ચળું લઈને વાતો કરવા માંડે છે.) ગયા ચોમાસામાં અહીં વરસાદ કેવો હતો? દેવબાઈ – હવે જઈને પેલી શેતરંજી ઉપર બેસો અને લૂગડાં પહેરો. જીવરામ – અરે! ઘણે દહાડે ભેગા થયાં છીએ, માટે પેટ ભરીને વાતો તો કરીએ. દેવબાઈ – જાઓ, વળી કાલ આખો દહાડો વાતો કરીશું. જીવરામ – મને તો તમારી આગળથી ઉઠીને જવાનું ગમતું નથી. રંગલો – સાસુના મોઢાની વાતોમાં બહુ મીઠાશ હોય છે, કહ્યું છે કે, પૂરી ને દૂધપાક શાલ સરવે, લાડુ સવાશેરિયો, દ્રાક્ષા દાડમ શેલડી સરસ કે, કેળાં તથા કેરીઓ; એ સૌ સવાદ સૂઝ્યા ઘણાંય, પણ તે, શું શ્રેષ્ઠ સ્વાદિષ્ટ છે? વાતો સાસુ તણા રૂડા વદનની મિષ્ટાન્નથી મિષ્ટ છે. જીવરામ – પણ તમે સોમનાથ ભટ્ટની વહુના સીમંત ઉપર અમને કંકોતરી જ મોકલી નહીં તે કાંઈ ઠીક કર્યું નહીં. એ બાબતનો અમારા મનમાં બહુ ધોખો લાગ્યો છે. રંગલો – હવે ફરીથી અઘરણી આવશે ત્યારે કંકોતરી મોકલશે. રઘનાથ – (સોમનાથને હળવે) એ મિથ્યાભિમાનીને હાથ ઝાલીને પેલી શેતરંજી ઉપર લઈ જઈને બેસાડ. એ તો આખી રાત લવારો કરશે. સોમનાથ – (જીવરામ ભટ્ટને) ચાલો હવે, પાનસોપારી આપું (દોરીને શેતરંજી ઉપર લઈ જઈને બેસાડે છે.) [[શ્રેણી:ગુજરાતી]]⏎ [[શ્રેણી:દલપતરામ]] [[શ્રેણી:નાટક]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?diff=prev&oldid=11767.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|