Difference between revisions 12509 and 12510 on guwikisource

{{header
 | title      = [[અનાસક્તિયોગ]]
 | author     = ગાંધીજી
 | translator = 
 | section    =  પ્રસ્તાવના
 | previous   = [[અનાસક્તિયોગ/અધિકૃત આવૃત્તિ|અધિકૃત આવૃત્તિ]]
 | next       = [[અનાસક્તિયોગ/૧. અર્જુન-વિષાદ-યોગ|૧. અર્જુન-વિષાદ-યોગ]]
 | notes      = 
}}



જેમ સ્વામી આનંદ ઇત્યાદિ મિત્રોના પ્રેમને વશ થઈને મેં સત્યના પ્રયોગો પૂરતી આત્મકથા લખવાનો આરંભ કર્યો તેમ ગીતાજીના અનુવાદને વિશે પણ થયું છે. "તમે ગીતાનો જે અર્થ કરો છો તે અર્થ ત્યારે જ સમજાય જ્યારે તમે એક વાર આખી ગીતાનો અનુવાદ કરી જાઓ અને તેની ઉપર ટીકા કરવી હોય તે કરો ને અમે તે આખું એક વાર વાંચી જઈએ. છૂટાછવાયા શ્લોકમાંથી અહિંસાદિ ઘટાવો એ મને તો બરોબર લાગતું નથી," આમ સ્વામી આનંદે અસહકારના યુગમાં મને કહેલું. મને તેમની દલીલમાં તથ્ય લાગ્યું. "નવરાશે એ કરીશ," એમ મેં જવાબ આપ્યો. પછી હું જેલમાં ગયો, ત્યાં તો ગીતાનો અભ્યાસ કંઇક વધારે ઊંડાણથી કરવા પામ્યો. લોકમાન્યનો જ્ઞાનનો ભંડાર૧ વાંચ્યો. તેમણે અગાઉ મને મરાઠી, હિન્દી અને ગુજરાતી અનુવાદો પ્રીતિપૂર્વક મોકલ્યા હતા ને મરાઠી ન વાંચી શકું તો ગુજરાતી તો જરૂર વાંચું એમ ભલામણ કરી હતી. 

જેલની બહાર તો એ વાંચવા ન પામ્યો, પણ જેલમાં ગુજરાતી અનુવાદ વાંચ્યો. આ વાંચ્યા પછી ગીતા વિશે વધારે વાંચવાની ઇચ્છા થઈ, અને ગીતાને લગતા અનેક ગ્રંથો ઉથલાવ્યા. 

ગીતાની પ્રથમ ઓળખ એડવિન આર્નલ્ડના પદ્ય અનુવાદ૧થી સન ૧૮૮૮-'૮૯માં થઈ. તે ઉપરથી ગીતાનો ગુજરાતી તરજુમો વાંચવાની તીવ્ર ઇચ્છા થઈ અને જેટલા અનુવાદ હાથ આવ્યા તે વાંચ્યા. 

પણ આવું વાચન મને મારો અનુવાદ પ્રજા આગળ મુકવાનો મુદ્દલ અધિકાર આપતું નથી. વળી મારું સંસ્કૃતનું જ્ઞાન અલ્પ, ગુજરાતીનું જ્ઞાન જરાય સાક્ષરી નહીં. ત્યારે મેં અનુવાદ કરવાની ધૃષ્ટતા કેમ કરી?

ગીતાને હું જેમ સમજ્યો છું તેવી રીતે તેનું આચરણ કરવાનો મારો અને મારી સાથે રહેલા કેટલાક સાથીઓનો સતત પ્રયત્ન છે. ગીતા અમારે સારુ આધ્યાત્મિક નિદાનગ્રંથ૨ છે. તદ્દન આચરણમાં નિષ્ફળતા રોજ આવે છે; પણ તે નિષ્ફળતા અમારા પ્રયત્ન છતાં છે. એ નિષ્ફળતામાં સફળતાનાં ઊગતાં કિરણોની ઝાંખી કરીએ છીએ. આ નાનકડો જનસમુદાય જે અર્થને અમલમાં મૂકવા પ્રયત્ન કરે છે તે અર્થ આ તરજુમામાં છે. 

૧. ગીતારહસ્ય <big>'''- કા.'''</big>

૧. song Celestial. <big>'''- કા.'''</big>
૨. નિદાન = મૂંઝવણનાં કારણો શોધતું શાસ્ત્ર. <big>'''- કા.'''</big>
'''[[અનાસક્તિયોગ]]'''