Revision 10747 of "જે ગાંધીને મેં જાણ્યા" on guwikisource[૧]. વાત્સલ્ય ગાંધીજીને આખો દેશ બાપુ કહેતો, પણ મને થાય છે કે તેઓ પિતા કરતા વિશેષ તો માતા હતાં. આપણે જ્યારે એમનું સ્મરણ કરીએ છીએ ત્યારે બીજા અનેક ગુણો કરતાં એમનું વાત્સલ્ય જ સાંભરી આવે છે. પુરાતન પરંપરાના ફળરૂપ અને નૂતન પરંપરાનાં બીજરૂપ એક વત્સલ માતા સમાન મહાપુરૂષના દર્શન આપણે બાપુમાં સદા કર્યા છે. [૨]. સ્થિતપ્રજ્ઞ ‘ગીતાજી’ ના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણો જેને લાગુ પડે એવો શરીરધારી ભાગ્યે જ શોધ્યો જડે, પણ એ લક્ષણોની બહુ નજીક પહોંચી ચુકેલા મહાપુરૂષને મેં મારી સગી આંખે જોયો. એમને આશરે રહેવાનું મને મળ્યું એથી મારું જીવન ધન્ય થઈ ગયેલું જાણું છું. એમનો આશરો શોધનારા દરેકને એવો અનુભવ થતો કે પોતે બુરા હતા, તે સારા બન્યાં; નાના હતા તે મોટા બન્યાં, હજારોનું મહત્વ તેમણે વધાર્યું. [૩]. વિરોધ ગાંધીજીના અમુક વિચાર કેટલાક લોકોને ગમતા નહીં, ત્યારે કોઈક તો એમને કહેતું કે તમે હવે હિમાલય ચાલ્યા જાવ તો સારું, ત્યારે બાપુ હસીને કહેતા કે જો તમે લોકો હિમાલય જાવ તો હું પણ તમારી પાછળ પાછળ આવીશ, અને તમે જો અહીં રહેશો તો તમારો આ સેવક પણ અહીં જ રહેશે. જ્યાં સ્વામી ત્યાં સેવક. વળી તેઓ એમ પણ કહેતા કે મારી તપસ્યાનો હિમાલય તો ત્યાં જ છે, જ્યાં દરિદ્રતા પડી છે, જ્યાં શોષણ દૂર કરવાનું છે, દુઃખ નિવારવાનું છે. [૪]. વ્યાપકતા એક નૈતિક અવાજ ઉઠે અને દેશ આખો તેને અનુસરે, એવી કોઈ સંસ્થા કે વ્યક્તિ આજે આખા દેશમાં નથી દેખાતી. જુદા જુદા પક્ષના નેતાઓ જનતા સમક્ષ જઈને એક બીજાની વાતોનું ખંડન કરે છે, આથી જનતામાં કોઈ પ્રકારની કાર્યશીલતા પેદા થતી નથી, દેશમાં નિષ્ક્રિયતા, શૂન્યતા, ખાલીપણું આવી ગયું છે. જનતા બહાવરી બની ગઈ છે અને ક્યાં જવું, શું કરવું એ સમજાતું નથી. આવા માર્ગદર્શનનો અભાવ બાપુએ કદી આવવા દીધો નહોતો. [૫]. સત્યાગ્રહ જ્યારે કોઈ દેશ પરાધીન બને છે ત્યારે ઘણુંખરું તે દેશના લોકો કાં તો બિલકુલ દબાઈ જાય છે, ચૂં કે ચાં નથી કરી શક્તા, અથવા બળવાનો ઝંડો ઉપાડે છે અને કોઈને કોઈ રીતે બગાવત ઉભી કરે છે. ઘણુંખરું તો દુનિયામાં આ બે પ્રક્રિયાઓ બનતી જોવા મળે છે. પરંતુ હિંદુસ્તાનમાં જ્યારે અંગ્રેજોની સત્તા જામી ત્યારે આ બે માંથી એકેય પ્રક્રિયા ન થઈ, પણ એક ત્રીજી જ પ્રક્રિયા ઉત્પન્ન થઈ. એ કાળમાં અહીં જે મહાપુરૂષો પેદા થયા એમણે ન દબાવાનું પસંદ કર્યું, ન શસ્ત્ર લઈને લડવાનું. એમણે તો આત્મસંશોધન શરૂ કર્યું, એમણે વિચાર્યું કે જ્યારે આવડી મોટી સંસ્કૃતિવાળો આટલો વિશાળ દેશ જોતજોતામાં પરાધીન થઈ બેઠો, તો તેના કારણો પણ વિચારવા જોઈએ. આપણી અંદર જે દોષ હોય, ન્યૂનતા હોય, તેનું નિરીક્ષણ, પરીક્ષણ નિરાકરણ અને સંશોધન કરવાં જોઈએ. આ રીતે આપણે ત્યાં આત્મશુધ્ધિ શરૂ થઈ ગઈ. આપણા લોકો ન તો દીનહીન બન્યાં, કે ન તો સંતાપના માર્યા ટેર ઠેર બળવા કરવા માંડ્યાં, તેઓ તો આધ્યાત્મિક સંશોધન પાછળ લાગ્યાં. આ એક બહુ મોટી વાત છે, દુનિયામાં આવુ ઉદાહરણ ભાગ્યે જ મળશે, આ કાળમાં રાજા રામમોહન રાય, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતિ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, લોકમાન્ય તિલક, ન્યાયમૂર્તિ રાનડે, રવિન્દ્રનાથ ઠાકુર, મહાત્મા ગાંધી વગેરે અસંખ્ય ઉચ્ચ કોટીના સ્વતંત્ર વિચારકો અહીં પાક્યા. એમણે વિચારમાં સંશોધન કર્યું અને દુનિયાના વિચારમાં વૂધ્ધિ કરવા ફાળો આપ્યો. દુનિયા પર અસર પાડે અને દુનિયાના સામૂહિક વિચારમાં ફાળો નોંધાવે એવી સ્વતંત્ર બુધ્ધિ પરતંત્ર દેશમાં હોય એ બિલકુલ જ અપેક્ષિત ન હોય. તેમ છતાં અહીં આવું બન્યું, અને તેમાંયે આ જે નવા વિચારો પરતંત્ર હિંદુસ્તાનની સ્વતંત્ર બુધ્ધિમતાને કારણે દુનિયાને મળ્યા એમાં મુખ્ય ત્રણ ખૂબ મહાન વિચારો છે, ૧) સર્વધર્મ સમન્વયનો શાબ્દિક નહીં પણ અનુભવાત્મક વિચાર રામકૃષ્ણ પરમહંસે જગતને આપ્યો. ૨) સમસ્ત માનવસમાજ મનથી ઉપર ઉઠવાની કોશીશ કરશે ત્યારે જ માનવજાતિનો ઉધ્ધાર થશે એ વાત શ્રી અરવિંદે કહી ૩) ત્રીજો મહાન વિચાર શ્રી મહાત્મા ગાંધીએ આપ્યો, એ સત્યાગ્રહનો વિચાર તેમણે સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ સામુદાયિક રૂપે દક્ષિણ આફ્રિકામાં કર્યો, સત્યાગ્રહ શબ્દનો જન્મ પણ આ જ પ્રયોગમાંથી થયો. સત્યાગ્રહમાં અહિંસાનું મહત્વ છે, ઘણી વાર સામસામે ઉભા થયેલા આ બંને વિરોધી પક્ષો સત્યને નામે જ લડતા હોય છે. બંનેનો સત્યનો દાવો હોય છે, બંને પોતપોતાના પક્ષનો જય થાય એટલા સારું ભક્તિભાવે પ્રાર્થના કરતા જોવા મળે છે. ‘હે ભગવાન ! અમારા શત્રુનો નાશ કરો’ એવી ઇશ્વર પાસે કરગરીને પ્રાર્થના કરનારા દયાળુ ખ્રિસ્તીઓ પાછલાં બંને મહાયુધ્ધોમાં ઠેર ઠેર જોવા મળ્યા છે, માટે સત્યનો પક્ષ કયો તેનો નિર્ણય ઈશ્વરને સૉંપીને અહિંસક સાધનો કોણ વાપરે છે એ જોવું જ લાભનું છે. હા, આગળ જતાં બંને અહિંસક કહેવડાવનારા પક્ઓ એક બીજાની વિરૂધ્ધ લડવા લાગશે, અને બંને સત્યનો દાવો કરવા માંડશે ત્યારે સત્ય અને અહિંસા બંનેને બાજુએ રાખી સમત્વને મહત્વ આપવું જોઈએ. જ્યાં સમત્વ ત્યાં જ સત્ય અને અહિંસા. કોઈની વિરુધ્ધ સત્યાગ્રહ કરવો એવી પરિભાષા આજે રૂઢ થઈ ગઈ છે. તે એક ભાષા જ છે, ખરું જોતા સત્યાગ્રહમાં વિરુધ્ધ કાંઈ નથી. સત્યાગ્રહની મુખ્ય વાત સામા માણસનો વિચાર ફેરવવાની છે, પોતે શુધ્ધ વિચાર કરવો અને સામા માણસને બરોબર સમજાવીને એને ગળે ઉતારવો, તેની સાથે વિચાર વિનિમય કરતાં આપણા વિચારમાં કાંઈ દોષ દેખાય તો તેનું સંશોધન કરવું એ જ ખરા સત્યાગ્રહનું સ્વરૂપ છે. શુધ્ધ વિચાર પર જાતે અમલ કરી તે સતત સંભળાવતા રહેવુ અને બીજાનો વિચાર સમજવા સદા તૈયાર રહેવું એ જ સત્યાગ્રહનું મુખ્ય સ્વરૂપ છે. આદિમાં વિચાર, અંતે વિચાર અને મધ્યમાં વિચાર એ સત્યાગ્રહનું મુખ્ય સ્વરૂપ છે. સત્યાગ્રહની શક્તિ તિતિક્ષા નથી, સત્યાગ્રહમાં આપણે ખમવું પડે, સહન કરવું પડે તે સહન કરવા તૈયાર થઈએ, એ જુદી વાત; પણ સહન કરવું એને જ હથીયાર બનાવવું કે આવી જાઓ, હવે હું સહન જ કરું છું તે બરાબર નથી, સહન કરવું પડે એટલે અમે સહન કરીએ છીએ તે વાત જુદી છે. પણ સત્ય સ્થાપિત કરવા સહન કરવાનો કાર્યક્રમ ન હોવો જોઈએ. સત્યાગ્રહનું સ્વરૂપ જે ગાંધીજીના જમાનામાં હતું એ આજના જમાનામાં ન હોઈ શકે એ આપણે બરાબર સમજવું જોઈએ. એ પરિસ્થિતિ અલગ હતી, એમાં કામ જ અભાવાત્મક કરવાનું હતું, અહિંસક દબાણ લાવી પરરાજ્યને કાઢવાનો એ એક પ્રકાર હતો. જ્યારે આજે આપણે જે કામ કરવાનું છે એ એવા પ્રકારનું નથી, આજે આપણે આપણા જ લોકોમાં રૂપાંતર કરવાનું છે, બીજાપર સ્થૂળ દબાણ જેટલું વધુ પડે એટલો સત્યાગ્રહ વધુ શક્તિશાળી એ વિચાર ભૂલ ભરેલો છે. ખરું જોતા તો દબાણ જેટલું ઓછું તેટલો સત્યાગ્રહ વધુ શક્તિશાળી, આપણી ઈચ્છાશક્તિ જેટલી મજબૂત એટલો સત્યાગ્રહ મજબૂત. ગાંધીજીના વખતના સત્યાગ્રહો વિશે આજે લોકોને જેટલો આદર છે એટલો તેમને પોતાને ન હતો, પ્યારેલાલજીના પુસ્તક લાસ્ટ ફેઝમાં આ વાત કહેવાઈ છે, બાપુ પણ તેમાં ઘણી ઉણપો જોઈ શક્તા હ્તા, તેના દ્વારા જે શક્તિઓ પેદા થઈ એ બધી સારી ન હતી, કારણકે તે નબળાઈઓનો સત્યાગ્રહ હતો. [[શ્રેણી:ગુજરાતી]] [[શ્રેણી:વિનોબા ભાવે]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?oldid=10747.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|