Revision 12247 of "શતદલ પદ્મમાં પોઢેલો" on guwikisource

<poem>
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ;
શોધી રસકુંજ જ્યાં રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ,
દેઠો ન દુનિયાં ફોરેલો;
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,
પાંખડી પાંખડી  પૂરેલો;
ભ્રમર ભ્રમર કીધ સંગીતસોહામણો
પંખીડે પંખીડે પોઢેલો:
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

અડઘેરી પાંદડીઓ વીણતમાં વેરી, ને
આસવ ડોળિયો અમોલો:
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
જીવન પરાગ જગતઘેલો:
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

[[શ્રેણી:નાનાલાલ]]