Difference between revisions 17269 and 18498 on guwikisource

{{ભૂલશુદ્ધિ-પૂર્ણ}}
{{header
 | title      = [[આ તે શી માથાફોડ !]]
 | author     = ગિજુભાઈ બધેકા
 | translator = 
 | section    = આમુખ
 | previous   = [[આ તે શી માથાફોડ !/ બે બોલ|બે બોલ]]
 | next       = [[આ તે શી માથાફોડ !/૧. રડતું છાનું રાખવું|૧. રડતું છાનું રાખવું]]
 | notes      = 
}}
સ્વ. ગિજુભાઇના અપ્રાપ્ય પુસ્તકોનું પુન: પ્રકાશન વ્યવસ્થિત રૂપે હાથ ધરવામાં આવ્યુ છે ને ધીમે ધીમે બધાં જ પુસ્તકઓ પ્રગટ થતાં રહશે.

પ્રસ્તુત પુસ્તક માબાપોને લગતાં પુસ્તકો માંહેનું એક છે. આ પુસ્તક લખાણ, શૈલી અને વિચાર-નિરૂપણની બાબતમં તદ્દન નવી જ ભાત પડે છે.

મુ. સ્વ. ગિજુભાઇએ પોતના વિચારો, શિક્ષણના સિદ્દાંતો અને પોતાને થયેલી અનુભૂતિઓ અનેક જુદાં જુદાં લખાણોમાં વ્યક્ત કરેલાં છે. કોઇમાં ગંભીર તત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક લેખો છે; કોઇમાં સીધા ઉપદેશાત્મક લખાણો છે તો કોઇમાં પોતાના શિક્ષણ વિષયક સિદ્ધાંતોનું જોરદાર પ્રસ્થાપન છે. એ બધામાં આ પુસ્તકની શૈલી નવીન જ દેખાય છે.

માબાપોને ઉદ્દેશીને લખાયેલાં આ પુસ્તકમાં લાંબા લેખો નથી. ઊંડી તત્ત્વચર્ચા નથી; પણ રોજિન્દા જીવનમાં બનતા સાચા પ્રસંગોનું સુંદર, કલાત્મક નિરૂપણ છે. આ પ્રસંગો પકડી તેને શૈક્ષણિક મૂલ્યો આપવાનું મુ. ગિજુભાઈએ કર્યુ છે. મુ. ગિજુભાઇના ઊંડા અવલોકન અને વિશાળ અનુભવના ખજાનામાંથી આપણને આ રત્નો મળ્યાં છે. 

ઇસપકથા, પંચતંત્ર, હિતોપદેશના લેખકોથી માંડીને આજ સુધીના બધા લેખકોએ પોતાનાં ગંભીર વક્તવ્યોને હળવી શૈલીમાં કથા, વાર્તા, પ્રસંગોની ગૂંથણીમાં મૂકી પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલ છે. કારણ લેખક સમજે છે કે આ પદ્ધતિ અસરકારક અને સચોટ છે. ઉપદેશનં લાંબાં લખણો કે ભાષણોમાંથી શ્રોતા કે વાચક જેટલુ ગ્રહણ નથી કરી શકતો એટલું એકાદ નાની પ્રસંગકથા, રેખાચિત્ર, રૂપક કે સંવાદમાંથી મેળવી શકે છે. અને એ વાત આ લખાણને પણ બરાબર લાગુ પડે છે.

આ પુસ્તકની બીજી ખૂબી એ છે કે આનાં પ્રસંગો-ચિત્રો વાંચતાંવાંચતાં વાચક ભૂલી જાય છે કે પોતે આનાથી અલગ છે. જાણે પોતાના ઘરમાં કે પોતાના જીવનમાં બનતા બધા નાનામોટા બનાવો જ નવાં નામો ધારણ કરી એની સમક્ષ આવી જાય છે. વાચક આમાં એક અંગત એકતારતા અનુભવે છે. લખાણમાં આવતા કોઇ ચંપા કે સુમતિ, રામજીકાકા કે લખુડો, આબાદબેન કે બચુભાઇ બધાં જ જાણે તેના પોતાનાં ઘરનાં, શેરીનાં, સમાજનાં જીવંત પાત્રો તેને લાગે છે અને એ પાત્રો જ એને કાંઇક કાંઇક નવું કહી જાય છે. 

પુસ્તકનાં પ્રસંગોમાં પણ કરવા જેવુ અને ન કરવા જેવું, સચો નિર્ણય અને ખોટો નિર્ણય, બાળકો સાથે કામ પાડવાની સાચી રીતો અને ખોટી રીતો વગેરેને એવા સુંદર વિવિધરંગી રંગોમાં ઉઠાવવામાં આવ્યાં છે કે વાચકના મનમાં એની એક સચોટ છાપ પડી જાય. 

છેવટે મુ. ગિજુભાઇના શબ્દોમાં જ કહીએ તો "સારી આલમનાં માબાપો ! તમને જે માથાફોડ લાગે છે તે માથાફોડ જ નથી. તમારી તબિયત ઠેકાણે રાખીને જુઓ. એટલે માથાફોડ ટળી જઇ ને કાંઇક બીજું જ દેખાશે." મુ. ગિજુભાઇનો આ 'બીજું જ' બતાવવાનો હેતુ તો જ સફળ થાય કે માબાપો આ વાંચી પોતની રોજિન્દી માથાફોડોમાં કાંઇક રાહત મેળવે, કાંઇક બાળકને સમજતાં શીખે, કાંઇક ગિજુભાઇની દ્રષ્ટિથી જોતાં શીખે. આજના ઘરે ઘરના ક્લેશ, કંકાસ, અશિસ્તતાના વાતાવરણને ઓછું કરવું હોય તો આ મથાફોડોનો વિચાર કર્યા વિના ચાલે તેમ જ નથી. તો જ બાળક અને માબાપનું જીવન કાંઇક સુસંગિત એકતાએ ચાલતું બનશએ.

-- '''નરેન્દ્ર બધેકા'''