Difference between revisions 7741 and 7752 on guwikisource

{{header
 | title      = [[સૌરાષ્ટ્રની રસધાર ૨]]
 | author     = ઝવેરચંદ મેઘાણી‎
 | translator = 
 | section    = કરિયાવર
 | previous   = [[કરિયાવર]]
 | next       = 
 | notes      = 
(contracted; show full)

ભળકડું થાતાં તો આણલદે ઘરના કામકાજમાં સહુની સાથે વળગી પડી. છાણના સૂંડા ભરીભરીને ભેળા કરવા માંડી, વાળવા લાગી અને તેવતેવડી નણંદોની સાથે છાશનું વલોણું ઘુમાવવા લાગી. સાસુજીએ ઊઠીને નવી વહુને ધૂળરાખમાં રોળાતી દેખી.

"અરે દીકરા, આવીને તરત કાંઇ વાસીદાં હોય? મેલી દે સાવરણી. હમણાં તો, બેટા, તારે ખાવાપીવાના ને હરવા ફરવાના દી કે'વાય."

"ના, ફુઇ, મને કામ વગર ગોઠે નહિ. પાંચ દી વે'લું કે મોડું કરવું તો છે જ ને ?"


વહુના હાથ આડ્યા ત્યાં ત્યાં જાણે મોતીડાં વરસ્યાં, સાસુ ને નણંદો તો હોઠે આંગળાં મેલીને ટગર ટગર જોઇ જ રહી કે કેવી ચતુર વહુ આવી છે !

પણ વચ્ચે વચ્ચે વહુના હાથમાં સાવરણી ને નેતરાં થંભી જાય છે. વહુને કોઇ બોલાવે તો એ સાંભળતી નથી. આંખો જાણે ક્યાં ફાટી તહે છે. એ વાતનું ધ્યાન કોઇને નથી રહ્યું.

જમવાનું ટાણું થયું છે. સાસુએ હોંશેહોંશે જૂઇના ફૂલ જેવા ચોખા રાંધ્યા છે. "વહુ, દીકરા, થાકી ગઈ હોઇશ, માટે જા બેસી જા ફળફળતા ચોખા ખાવા."

ચોખામાં તપેલી ભરીને ઘી રેડ્યું, દળેલી સાકર છાંટી, પણ કોણ જમે ! વહુ તો બેઠી બેઠી લવે છે કે,

ઊનાં ફળફળતાંય, ભોજનિયાં ભાવે નહિ,

હેતુ હૈયામાંય, દાઝે સૂતલ દેવરો.

"અરેરે, ઊનાં ભોજન તો હું શી રીતે જમું ? મારા અંતરમાં દેવરો સૂતો છે, તેની કોમળ કાયા એ ઊના કોળિયાથી દાઝી જાય તો?" એવી વહાલાની વિજોગણ એક બાજુથી ખાતીપીતી નથી, ને બીજી બાજુ કુળધર્મનું જતન કરવાનું ક્યાંય ચૂકતી નથી. પણ દિવસ પછી દિવસ વીતતા ગયા. અંતરના ઉત્પાત સંતાડવા આણલદે બહુ બહુ મથી, તોયે એનો ચિત્તભ્રમ ઉઘાડો પડવા લાગ્યો. મોતીની ઇંઢોણી ઉપર ત્રાંબાની હેલ્ય મેલી સૈયરોના સાથમાં પાદરને કૂવે પાણી ભરવા જાય છે. તોયે આણલદે એક પણ હેલ્ય હજી ભરાતી નથી. પાણીમાં જાણે દેવરાનો પડછાયો પડ્યો હોય, એવી કલ્પના કરતી કરતી આણલદે ઊભી રહે છે. સીંચણ હાથમાં થંભી રહે છે. એમ ને એમ દિવસ આથમે છે. કૂવામાં પડછાયો દેખાતો બંધ થાય છે, પારેવાં ઘુઘવાટ છોડીને માળામાં લપાય છે, વાદળાં વીખરાય છે, ને દિશાઓ ઉપર અંધારાના પડદા ઊતરે છે, ત્યારે આણલદે ઠાલે બેડે ઘર આવે છે અને સાસુના ઠપકા સાંભળી લવે છે:

સીંચણ ચાળીસ હાથ, પાણીમાં પૂગ્યું નહિ,

વાલ્યમ જોતાં વાટ, દી આથમાવ્યો દેવરા.

"હે બાઇજી, સીંચણ તો ઘણુંય ચાળીસ હાથ લાંબું હતું, પણ પાણીને પહોંચ્યું જ નહિ. મારો દિવસ તો દેવરાની વાત જોવામાં જ આથમી ગયો."

નિસાસા નાખીને સાસુ બોલ્યા કે, "અરેરે ! આ હરાયું ઢોર આંહીં ક્યાંથી આવ્યું ? આનું તો ફટકી ગયું લાગે છે ! આ તો મારું કુળ બોળવાની થઈ !"

સાજણ ચાલ્યાં સાસરે, આડાં દઈને વન,

રાતે ન ભાવે નીંદરાં, દીનાં ન ભાવે અન્ન.

દીનાં ન ભાવે અન્ન તે કોને કહીએં?

વાલાં સજણાંને વેણે વળગ્યાં રહીએં.

સાંજનું ટાણું છે. દેવરો પોતાના ઘરની ઓશરીએ બેઠો છે. ડોશી આવીને પૂછે છે કે, "ગગા, આજ તો તારા સારુ જારનો ખીચડો મેલું છું, ભાવશે ને ?"

"માડી, મને ભૂખ નથી લાગી."

"ભૂખ કેમ ન લાગે, બેટા? ફડશ રોટલો લઈને સીમમાં ગ્યો'તો, એમાં શું પેટ ભરાઇ ગયું?"

"પણ, માડી, હમણાં મને પેટમાં ઠીક નથી રે'તું."

"બાપુ ! ગઈ વાતને પછેં ભવ બધો સંભાર્યા જ કરાય? હવે તથ્યા મેલી દે ને એ વાતની !"

"ના, મા, એવું કાંઇ નથી." એટલું બોલતાં દેવરાને ગળે ડૂમો ભરાઇ આવ્યો.

દેવરાની બે જુવાન બહેનો ઓશરીના ખરણિયામાં ખીચડો ખાંડતી હતી; તેમની આંખમાં પણ ભાઇનું ગળેલું શરીર જોઇ જોઇને ઝળઝળિયાં આવી ગયાં.

(અપૂર્ણ)